Wednesday, February 9, 2011

જય વાળી નાથ ! જય વડવાળા દેવ ! બાપજી સીતારામ ! ૐ નમો નારાયણ ! જય વાળી નાથ !


આપણા સમાજ વિષે વિશેષ જાણીએ..........
     આગવો રાહ ચિતરનાર આ સમાજ છે. આ સમાજ ના જેટલા ગુણગાન ગાઇએ એટલાં ઓછાં છે. અન્ય સમાજો એ આ સમાજ પાસે થી ઘણું શીખી અને મેળવ્યું છે. હિંદુ સમાજ માં અરે હવે તો મુસ્લિમ સમાજ માં પણ સમુહ લગ્ન નો વિચાર આપણે તો આપ્યો છે. અરે ભાઇ ! આપણા માં એક કહેવત છે કે “ હતું એનું ગયું અને નહોતું એનું થયું “ રબારી સમાજ માં એકતા, ભાઈચારો, એક-બીજા ની આબરું સાચવવી તથા અરસ પરસ એક બીજાનું ઢાંકણ થવા ની ઉત્તમ ભાવના હતી. એક જ માંડવે ૧૦૦-૧૦૦ જાનો આવી હોય અને એવા માંડવે વિવાહ મહાલ્યા હોય તેવા મુછાળા એમના જમાના ના નરબંકા આપણા ઘૈઢિયા હજુ પણ આપણી વચ્ચે જ છે ને ? આવો હજુ પણ જુના જમાના ની જે સારી બાબતો હતી અને હાલ આધુનિકતા ની આંધળી દોટ ના કારણે જે વિસરાઇ ગઇ છે તે ને પુન: સ્થાપિત કરવા તેઓની પાસે પ્રેરણા લઇએ, હજુ પણ સમય છે. માવતર ની સેવા એજ આપણો પરમ ધર્મ છે એવા ઉચ્ચ ધાર્મિક સંસ્કારો હજુ આપણા લોહીમાં છે. અને એટલે જ  આપણા પૂર્વજો ના પુણ્ય પ્રતાપે, આ સમાજ માં, હજુ આવા હળાહળ કળિયુગ માં પણ બેટા ના ઘરે જ તેઓનો લાડલો બેટો પોતાના માવતર ની સેવા કરે છે ! આપણા માવતર ની સેવા માટે બેટા નું ઘર (ઘરડા ઘર) સુમ સામ વગડા વચ્ચે નથી. આપણા માવતર તો તેમના સંતાનો ની કિલ્લોલ અને કલરવ વચ્ચે ખુબ જ સુખમય અને આનંદ મય જીવન પસાર કરે જ છે ને ! અને આથી જ અંતકાળે પણ તેઓ તેઓની લીલી-વાડી વચ્ચે તેઓ ના સંતાનો ને તથા સગાસ્નેહિઓ રુપ સમાજને પણ અંતરના આશિષ દેતા પરમપિતા પરમાત્મા ના દરબાર માં તેઓ ના શુભ કર્મો સાથે જાય છે. આવા આપણા માવતરોએ તેમના પૂર્વજોની આપણા કરતાં પણ વિશેષ સેવા કરેલી જ છે. એટલે તો તેના પુણ્ય પ્રતાપે તેઓ ની સેવા માટે ના આ સંસ્કારો આપણને તેઓના દ્વારા જ મળ્યા છે ને ? હજુ આપણે તે પુણ્ય પરવાર્યા નથી.
             સમુહ લગ્ન ના રિવાજ થી આખો રબારી સમાજ એકબીજા થી પરિચિત રહેતો. એક બીજાના ખબર અંતર પૂછી સુખ દુખ માં એક બીજા ને મદદરૂપ થતો. અને વળી આખો સમાજ એક છત્ર નીચે ભેગો થવા થી જાણે ન્યાત ગંગા નો મેળો રચાયો હોય તેવું વાતાવરણ રહેતું. પવિત્ર વિહોતર ના મેળાવડા માં ભગવાન ની હાજરી હોય જ એ સ્વાભાવિક છે. આમ આખી વિહોતરની સાક્ષીએ, વિહોતર ના આશીર્વાદ સાથે જે નવ દંપતી સંસાર રૂપી રથમાં સવાર થતાં હોય તેના સંસાર ની બાગડોર ભગવાન જ સંભાળી લે ને ? અને એટલે જ ભૌતિક સુખ સગવડો ઓછી હોવા છતાં ગાયો તથા માલઢોર લઇ છેક મારવાડ, મેવાડ, સિંધ, અરે ! છેક ગંગા ની શેર (ગંગા યમુના નાં મેદાનો ના પ્રદેશો)સુધી આપણા પૂર્વજો પરદેશ ખેડતા.  આમ ઘણી જ તકલીફો વાળું જીવન હોવા છતાં એક બીજાને અનુરૂપ થઇ સૌ આનંદ થી સુખ રુપ રહેતા. માતાઓ ની તો વાત જ શું કરવી. તેઓ તો કોઇ પણ કામ ને આપણી આજની આધુનિક બહેનો ની જેમ વેઠ થોડી ગણતી હતી ? અત્યારે મોટા ભાગે બહેનો વચ્ચે ઘરોમાં કામની બાબતે જ તો કંકાસ થતા હોય છે ને ? વહેલા પરોઢિયે ઊઠવું , પોતાના કુટુંબ ના તમામ સભ્યો માટે દરરોજ પાંચ શેર કે દશ શેર જરૂરિયાત મુજબ દળણું દળવું. અનાજ દળવાની સાથે જાણે ભગવાને પોતાના કુટુંબ ની સેવા માટે તેમને  મોકો આપ્યો છે એમ માની પ્રભુ ના સ્મરણ રુપ વહેલા પરોઢે ઘંટુલા ના સુરે કોકિલ કંઠે પ્રભાતિયાં ની મીઠાસ નો રશ તે ઘંટી ના આટામાં ભેળવી દેતી. અને તે અમૃત રસ સભર અન્ન ખાઇ કુટુંબ ના તમામ સભ્યો ખુબજ હૃષ્ટપુષ્ટ , ખડતલ અને નીરોગી રહેતા. અનાજ દળ્યા બાદ માલ ઢોર ને દોહવાં ,દૂધ થાળે પાડવું, વલોણું કરવું, માથે હેલ મુકી પાણી ભરી લાવવું અને આ કામ પરવારી પાછું શિરામણ ( ઘેંશ-છાસ-દૂધ કે રાત ના વધેલા રોટલા નો નાસ્તો) માટેની તૈયારી કરવી. ઘરના તમામ સભ્યો ને શિરામણ આપી ગવાંતી માટે ભાતું તૈયાર કરવું. ગવાંતી પોતાનો માલ લઇ વગડો ખુંદવા જાય ત્યાર બાદ ઘરનાં અન્ય તમામ બાકી કામ જેવાં કે ભરત, ગૂંથણ, સીવણ વગેરે તે આવે ત્યાં સુધી કરવાં અને ફરી પાછું દોહવું, બાંધવું તથા દિવસ નાં બાકી કામ પરવારી વાળું પાણી કરી બાઇઓ ભેગી થઇ “પરભુજી વનમાં ચારે ગાયો...... જેણી વગાડે વાંસળી રે લોલ.... “ તાલ બધ્ધ રીતે બે-પાંચ ગાઉ સુધી વગર લાઉડ સ્પીકરે સંભળાય તેવા ઊંચા રબારવા સાદે ગાણાં ગાય. અને વળી સારા ભલા પ્રસંગોએ ગવાતા શાસ્ત્રી ગાણાં ની તો વાત જ શી કરવી ? પાંચ સાત બાઈઓ એકબીજા ના ખભે હાથ રાખી જ્યારે લાંબા લાંબા સામવેદિય શાસ્ત્રીય સ્વરોમાં ગાણાં ગાતી હોય ત્યારે તો અનોખું વાતાવરણ સર્જાતું. ખરેખર હજુ આ સમાજ માં વૃદ્ધ કાકીઓ અને દાદીઓ ની હયાતી છે ત્યાં સુધી હાલ ગવાતાં વરણાગી ગાંણાં ની જગ્યાએ આપણી બહેનો જુનાં સાસ્ત્રી ગાણાં શિખી લે તો આ સમાજની પુરાતન સંસ્કૃતિ ને બચાવવાનો ખુબ ઉપકાર થશે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતા દશ મા અધ્યાય ના ૨૨ મા શ્લોકમાં જ કહ્યું છે કે   “


                              વેદાનાં સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવ:                               ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના !! “
અર્થાત્, હે અર્જુન ! “વેદોમાં હું સામવેદ અર્થાત્ પૂર્ણ સમત્વ આપનાર ગાન (સંગીત) છું. દેવો માં હું તેમનો અધિપતિ ઈન્દ્ર છું અને ઇન્દ્રિયોમાં હું મન છું ; કારણ કે મનના નિગ્રહ થી તો હું જાણી શકાઉં છું. તથા પ્રાણીઓ માં હું ચેતના છું. “ ભાઈઓ ! મારા વ્હાલા પ્રભુ ના પ્રેમિયો ! તમને  તમારી પરંપરા જાણીને આશ્ચર્ય ઉપજે તેવી એક વાત છે... ચારે વેદો ના વિશ્વ પ્રસિધ્ધ આર્ષ ભાષ્યકાર પંડિત વિષ્ણુ પ્રસાદ સાંકળેશ્વર વેદોના ભાષ્ય વખતે રબારી સમાજ ની ખાસ નોંધ લઇ ખુબજ હર્ષથી લખે છે કે “ આજે ભગવાન કૃષ્ણ ના અવતાર ને આસરે પાંચ હજાર વર્ષ પૂર્ણ થયા પછી પણ વેદો ના બિજ સ્વરુપ એવા સામવેદ ના ગાન ને કંઇક અંશે જાળવી રાખ્યું હોય તો તે કહેવાતો અભણ, વગડે વગડે પોતાના પશુધન સાથે જીવનનો સંઘર્ષ ખેલતો,અત્યંત ભોળો એવો રબારી સમાજ છે. આ સમાજ પોતાના પશુધન સાથે જ્યારે વગડા વચ્ચે ડેરો નાખી રાત ના સમયે પોતાની ઈષ્ટદેવી મા... ને એક વિહ્વળ બાળક ની જેમ રેંડી, રેંગડી કે સરજુ ( મા ના વિયોગે જેમ બાળક આર્તનાદ કરે તેવું રુદન) દ્વારા પોતાની વ્હાર કરવા પોકારતો હોય, ત્યારે અને આ સમાજની સ્ત્રીઓ જ્યારે આનંદ કે શુભ અવસરે  ગાણાં ગાતી હોય કે પછી મૃત્યું જેવા અશુભ પ્રસંગે જ્યારે રુદન કરતી હોય ત્યારે લાંબા લાંબા સ્વરે રબારી સિવાય ની અન્ય જ્ઞાતી નો કોઇ માણસ ન સમજી શકે તેવા આલાપો માં સામવેદ ના ગાન સ્વરો સચવાઇ રહ્યા છે. “ રબારી સમાજ માટે આનાથી વિષેશ ગૌરવવંતી બાબત ક ઇ હોઇ શકે ?  
         આપણા પૂર્વજો જે ખુમારી ભર્યું ઉલ્લાસમય અને આપણ ને પણ ગૌરવ ઉપજે તેવું જીવન જીવી ગયા તેના મુળમાં આપની જુની લગ્ન સંસ્કૃતિ હતી. જેને આખી વિહોતરના આશીર્વાદ હતા. આવો ! જ્યારે આપણા જુના રીવાજ ના ચિલે આજના અન્ય પ્રગતીશીલ સમાજો ચાલવા માંડ્યા છે ત્યારે આપણે આપણા પૂર્વજો નો તે ચિલો ચાલું રાખી તેઓનું સાચા અર્થમાં તર્પણ કરીએ. આ સમાજ ના શ્રેષ્ઠિઓ પોતાની દિકરીઓ ને આવા સમુહ લગ્નો માં જ પરણાવી, પોતે શ્રેષ્ઠ હોઇ, સમાજ માં ઉદાહરણ રુપ બને. ઈશ્વરકૃપા એ તેમની પાસે વધારે ધન હોય તો આવા સમૂહલગ્ન યોજનાર સેવાભાવી સમાજ સેવકો નું ટ્રસ્ટ રચી તેમાં મુક્તમને દાન કરી, કરાવી દરેક પરગણાના તાલુકા મથકે અથવા સમાજ નક્કી કરે તેવાં સૌને અનુકૂળ આવે તે સ્થળોએ સમૂહલગ્ન રૂપી યજ્ઞો નું આયોજન કરીએ. અને તેમાં આપણી સેવા ની આહુતી આપીએ.....

No comments:

Post a Comment