Wednesday, February 9, 2011

યમુના જળમાં કેસર ઘોળી


યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

વસ્ત્રે અંગો લૂછી આપું પીળું પીતાંબર પ્યારમાં
તેલ સુગંધીવાળું નાખું વાંકડિયા તુજ વાળમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

કુમ કુમ કેસર તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં
અલબેલી આંખોમાં આંજુ અંજન મારા વા'લમા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

હસતી જાઉં વાતે વાતે નાચી ઊઠું તાલમાં
નજર ન લાગે શ્યામ સુંદીરને ટપકાં કરી દઉં ગાલમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

પગમાં ઝાંઝર છુમ છુમ વાગે કરમાં કંકણ વા'લમાં
કાનોમાં કુંડળ કંઠે માળા ચોરે ચીતડું ધ્યાનમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

મોર મુગટ માથે પહેરાવું મોરલી આપું હાથમાં
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા વારી જાઉં તારા વ્હાલમાં
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા શામળા
ભક્ત મંડળ નીરખી શોભા રાખો ચરણે શામળા
રાખો ચરણે શામળા હો રાખો ચરણે શામળા
યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

                 વાંકે અંબોડે

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરુપ
શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના ભૂપ

પાઘ બાંધે વાલો જરકશી ને સુંદર વાઘા સાર
પટકા છે તે પંચરંગના સજીયા તે સોળે શૃંગાર

કેસરી તિલક સોહામણાં નાસિકા વિશ્વાધાર
ચિબુકની અતિ કાન્તિ છે કંઠે મોતીના હાર

હડપચીએ હીરલો ઝગમગે એના તેજ તણો નહીં પાર
અધર બીંબ એ રસિક છે ઝળકે છે જ્યોત પ્રકાશ

બાંહે બાજુબંધ બેરખા હરિના ખિટકીયાળા કેશ
નીરખ્યાં ને વળી નીરખીશું એનો પાર ન પામે શેષ

ડાબી બાજુએ ગિરિવર ધર્યો જેમણે કટિ મધ્યમ ભાગ
કૃપા કરો શ્રીનાથજી મારાં હૈયાં ટાઢાં થાય

પાયે ઘૂઘરી રણઝણે મોજડીએ મોતીનો હાર
કૃપા કરો શ્રીનાથજી બલિહારી માધવદાસ

માધવદાસ કહે હરિ મારું માંગ્યું આપો મહારાજ
લળી લળીને કરું વિનંતિ મુને દેજો વ્રજમાં વાસ

           રંગીલા શ્રીનાથજી

મથુરામાં   શ્રીનાથજી   ગોકુળમાં શ્રીનાથજી
યમુનાજીને  કાંઠે  રમતા  રંગીલા શ્રીનાથજી

રંગીલા   શ્રીનાથજી    અલબેલા શ્રીનાથજી
વલ્લભકુળના વહાલા બોલો રંગીલા શ્રીનાથજી

મધુવનમાં   શ્રીનાથજી    કુંજનમાં શ્રીનાથજી
વૃંદાવનમાં  રાસે   રમતા  રંગીલા શ્રીનાથજી

નંદગામ   શ્રીનાથજી    બરસાને શ્રીનાથજી
કામવનમાં  ક્રીડા  કરતાં  રંગીલા શ્રીનાથજી

દાનગઢ    શ્રીનાથજી    માનગઢ શ્રીનાથજી
સાંકડીખોરે  ગોરસ  ખાતા રંગીલા શ્રીનાથજી

સંકેતમાં   શ્રીનાથજી   વનવનમાં શ્રીનાથજી
ગહવરવનમાં  રાસે રમતા રંગીલા શ્રીનાથજી

ગોવર્ધનમાં   શ્રીનાથજી   મારગમાં શ્રીનાથજી
માનસીગંગામાં મનને હરતા રંગીલા શ્રીનાથજી

રાધાકુંડ    શ્રીનાથજી      કૃષ્ણકુંડ શ્રીનાથજી
ચંદસરોવર   ચોકે   રમતા રંગીલા શ્રીનાથજી

વૃક્ષ  વૃક્ષ  શ્રીનાથજી   ડાળ  ડાળ શ્રીનાથજી
પત્ર પત્ર ને પુષ્મે  રમતા  રંગીલા શ્રીનાથજી

આન્યોરમાં  શ્રીનાથજી  ગોવિંદકુંડ શ્રીનાથજી
અપ્સરાકુંડે  આનંદ  કરતા રંગીલા શ્રીનાથજી

ગલી ગલી   શ્રીનાથજી   કુંજ કુંજ શ્રીનાથજી
સુરભિ કુંડે  સ્નાન  કરંતા  રંગીલા શ્રીનાથજી

મંદિરમાં  શ્રીનાથજી  પર્વત પર શ્રીનાથજી
જતીપુરામાં પ્રકટ બિરાજે રંગીલા શ્રીનાથજી

બિછુવનમાં શ્રીનાથજી  કુસુમખોર શ્રીનાથજી
શ્યામઢાંકમાં છાછ આરોગે  રંગીલા શ્રીનાથજી

રુદ્રકુંડ     શ્રીનાથજી     હરજીકુંડ શ્રીનાથજી
કદમખંડીમાં ક્રીડા  કરતા  રંગીલા શ્રીનાથજી

ગામ ગામ  શ્રીનાથજી  ઠામ ઠામ શ્રીનાથજી
ગુલાલ કુંડે  હોળી  રમતા  રંગીલા શ્રીનાથજી

નવલકુંડ    શ્રીનાથજી    રમણકુંડ શ્રીનાથજી
વ્રજવાસીના વહાલા બોલો  રંગીલા શ્રીનાથજી

મથુરામાં   શ્રીનાથજી    ગોકુળમાં શ્રીનાથજી
યમુનાજીને   કાંઠે  રમતા   રંગીલા શ્રીનાથજી

No comments:

Post a Comment